ઝુંપડી બાંધી લોકોની સેવામાં સદાવ્રત શરૂ કરનારા સંતશ્રી આપગીગાની આ ટેક હજું સુધી અણનમ છે, જાણો સત્તાધારનો વિશેષ મહિમા…
આપણામાંથી લગભગ દરેક લોકોએ સતાધાર નું નામ તો સાંભળ્યું જ હશે. સતાધારનો ખુબ જ મહિમા છે. આ સતાધાર ની ભૂમિ ના દર્શન કરવા લાખો લોકો આવે છે. આ ભૂમિ ખુબ જ પવિત્ર છે. જૂનાગઢમાં ઘણા એવા સંતો થઇ ગયા છે. જૂનાગઢની આ ભૂમિ જે સતાધારના નામથી ખુબ જ જાણીતી છે. ત્યાં એક સંત એટલે કે આપા ગીગા પણ થઇ ગયા છે.
તેમણે જૂનાગઢનાં વિસાવદર શહેરથી 7 કિ.મી. દૂર આંબાઝળ નદી કિનારે સતાધારનો એક મોટો ટીંબો બાંધ્યો હતો. સંત આપા ગીગાના પિતાનું નામ અલીભાઇ અને માતાનું નામ સુરઇ હતું.
એક સમયે સોરઠમાં ખુબ જ દુકાળ પાડ્યો અને ત્યારે તે સમયે સુરઇ એમના પુત્ર ગીગા સાથે ચલાળા ગામે આવીને આપા દાનાના આશ્રમમાં રહેવા આવ્યા. આપા દાનાએ આપા ગીગાને પોતાના પુત્રની જેમ ઉછેરીને મોટા કર્યા.. આપા દાનાની સેવા પણ આપા ગીગા ખુબ જ હોશથી કરતાં અને ભાગ્વાનનું ભજન પણ ખુબ જ કરતા. આપા ગીગાની જયારે ઉંમર થઇ ગઈ એ પછી આપા દાનાએ પાળિયાદ જગ્યાના આપા વિસામણના કહેવાથી આપા ગીગાને દિક્ષા આપીને તેને એક અલગ આશ્રમ બનાવવાનું કહ્યું.
આપા દાદાની આ વાત સાંભળીને આપા ગીગાને ખૂબ જ દુ:ખ થયું. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તેમણે આપા દાનાને પૂછ્યું, કે મારાથી શું ભૂલ થઈ કે તમે મને તમારાથી અલગ કરી રહ્યા છો? ત્યારે આપા દાનાએ આપા ગીગાએ કહ્યું કે, ગીગા તું મારાથી પણ સવાયો થઈશ અને મોટો પીર થઈને પૂજાઈશ. તું ગાયોની, દુ:ખીયારાઓની અને જરૂરિયાતમંદોની સેવા ખુબ જ હોશથી કરજે. આપા ગીગા ગુરુની વિદાઇ લઈ ફરતા ફરતા હાલનું સતાધાર છે ત્યાં આવે છે અને ત્યાં ઝૂપડી બાંધી રહેવા લાગે છે.
પછી ઘણા વર્ષો પછી આપા ગીગાના આશ્રમની ઘણી પ્રગતિ થઇ ગઈ. આ આપા ગીગા સાથે ઘણી બધી ચમત્કારિક વાતો સંકળાયેલી છે. સતાધારની પવિત્ર જગ્યામાં આપા ગીગાએ એક સદાવ્રત ચાલુ કર્યું હતું તે આજે પણ શરુ જ છે. સતાધારમાં એક ખુબ જ વિશાળ રસોડુ પણ છે આ રસોડું જ ત્યાંની વિશેષતા છે. એક સાથે 3 હજાર કરતાં વધારે માણસોની રસોઈ થઈ શકે એવી વ્યવસ્થા છે. ત્યાં એક શ્યામ ભુવન અતિથિ ગૃહની પણ વ્યવસ્થા કરેલી છે, તે બ્રહ્મલીન સંતશ્રી શ્યામબાપુના નામ પરથી બનાવવામાં આવેલ છે અને ત્યાં 4 હજાર માણસો રોકાઈ શકે એટલી વ્યવસ્થા છે.
આ પવિત્ર સ્થળ પાછળ એક નદી વહે છે અને તેનું નામ છે આંબાજળ. ત્યાં ઘાટ, રમણીય બગીચા અને કુંડ બનાવવામાં આવ્યા છે. આ ઘાટનું નામ શામજીબાપુના ગુરુના નામ પરથી લક્ષ્મણ ઘાટ રાખવામાં આવ્યું છે. આ ઘાટ હરિદ્વાર કે વારાણસીના ઘાટની યાદ અપાવે છે. ગરવા ગિરનારની પરિક્રમા બાદ લોકો આ પવિત્ર ધામના દર્શન કરવા આવે છે. આ પવિત્ર સ્થળ પર અષાઢી બીજ, કાર્તિકી પુર્ણિમાના રોજ મેળો પણ ભરાય છે. જેમાં હજારોની સંખ્યામાં લોકો આવે છે.આ જગ્યા ગીરના જંગલમાં આવેલી છે અને તે કુદરતી સૌંદર્યથી ભરપૂર છે ચોમાસામાં તો આ જગ્યા ખુબ જ રમણીય લાગે છે આ પવિત્ર સ્થળના દર્શન કરવા અને અનેરો આનંદ માણવા જરૂર મુલાકાત લેવી.