શેરી શિક્ષણમાં અભ્યાસ કરવા જઈ રહેલા ભાઈ-બહેનને કારે મારી ટક્કર, બંનેનાં ઘટનાસ્થળે મોત

રાજ્યભરમાં અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો છે. હજુ ગઇકાલે જ અમરેલના બાઢડા પાસે ગમખ્વાર અકસ્માતમાં ટ્રકડ્રાઇવરની એક ભૂલે આઠ લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે આજે વધુ એક ગોજારી ઘટના પોરબંદર નજીકના દેગામ ગામ પાસેથી સામે આવી છે, જેમાં દેગામ નજીક ચામુંડા માતાના મંદિર પાસે એક બાળકી પોતાના પિતરાઈ ભાઈને લઈને શેરી શિક્ષણમાં અભ્યાસ કરવા જઈ રહી હતી ત્યારે ઇનોવા કારે ટક્કર મારી બન્નેના જીવ લીધા છે.

આ અંગે મળતી માહિતી મુજબ, પોરબદર-જામનગર રોડ પર દેગામ નજીક ચામુંડા માતાના મંદિર પાસે આજે સવારે આરતી રમેશભાઈ ગોહેલ નામની 14 વર્ષની બાળકી પોતાના ત્રણ વર્ષના પિતરાઈ ભાઈ મીત નિલેશભાઇ ગોહેલને લઇ શેરી શિક્ષણમાં અભ્યાસ માટે જતી હતી.

તે સમયે રોડ પર પૂરપાટ ઝડપે આવી રહેલી ઇનોવા કાર નં. GJ-01-HS-0188 એ હડફેટે લેતા ઘટના સ્થળે જ બંને બાળકોના મોત નીપજ્યા હતા. આ ગોજારી ઘટના બનતા જ ગ્રામજનો એકત્રિત થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી બંનેના મૃતહેદનું પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્માત સર્જનાર કાર પુરઝડપે આવી હતી અને બન્ને બાળકોને હડફેટે લઈ કાર એક ખેતરની દીવાલ તોડી અંદર ઘૂસી ગઈ હતી. જોકે, કાર ચાલક નાશી છૂટ્યો છે. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *