Gujarat

કરોડો નુ દાન કરનાર ગુજરાતના ભામાશા નારણભાઈ ભક્તની ચિરવિદાય

Spread the love

મહુવાના ભામાશા એવા નારણભાઈ ભકતનુ શુક્રવારના રોજ 82 વર્ષની વયે દુઃખદ અવસાન થતા મહુવા પંથક સહિત તાલુકામા શોક ની લહેર ફેલાઈ ગઈ હતી. તેમની અંતિમયાત્રામાં મહુવા પંથક વાસીઓ સહિત રાજકીય તેમજ સહકારી અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. મહુવાના ભામાશા તરીકે ઓળખાતા અને સમાજ ઉત્થાનની દરેક પ્રવૃત્તિમા સહકાર આપનાર કરુણાસભર, પ્રેમાણ અને વિનમ્ર સ્વભાવના નારણભાઈ ગોપાલભાઈ ભક્તનું શુક્રવારના રોજ રાત્રી દરમિયાન 82 વર્ષની વયે મહુવા એમના નિવાસસ્થાને દુઃખદ અવસાન થયુ હતુ.

નારણભાઈ ભક્ત જી.એચ.ભક્ત ટ્રસ્ટના પ્રમુખ ઉપરાંત તરસાડી માલિબા કોલજના પણ ટ્રસ્ટી હતા. તેમણે દેશ-વિદેશમાં શૈક્ષણિક, ધાર્મિક, સામાજિક તેમજ આરોગ્ય ક્ષેત્રે 80 કરોડથી વધુની માતબાર રકમનુ દાન આપ્યુ છે.તેમણે ફક્ત જન્મ ભૂમિ જ નહિ કર્મ ભૂમિ નાયજીરિયામાં પણ આવી જ સેવાની કામગીરી કરી છે. તેમણે નાયજીરિયામાં 12 હજારથી વધુ આંખોના ઓપરેશન કરાવ્યા છે ઉપરાંત 50 હજારથી વધુ નકલી પગ દાનમાં આપી લોકને ચાલતા કર્યા છે. તેમની સેવાકિય પ્રવૃત્તિ બદલ નાયજીરિયન સરકારનો શ્રેષ્ઠ એવોર્ડ ગણાતો મેમ્બર ઓફ ફેડરલ રિપબ્લિક એવોર્ડ થી એમને સન્માનિત કરાયા હતા.

સુરત જિલ્લાની ભાગ્યે જ કોઈ સંસ્થા હોય જે એમના દાનથી વંચિત રહી હોય. હાલ 70 જેટલી શૈક્ષણિક સંસ્થા અને 32 જેટલી આરોગ્ય સંસ્થા એમના દાન થકી કાર્યરત છે. ટૂંકી માંદગી બાદ શુક્રવારના રોજ નારણભાઈ ગોપાળભાઈ ભક્તનુ અવસાનના સમાચાર સાંભળી મહુવા પંથક તેમજ તાલુકામાં શોકની કાલીમા છવાઈ ગઈ હતી.તેમના મોતના સમાચાર સાંભડી મોટી સંખ્યામાં લોકો તેમના નિવાસસ્થાને ઉમટી પડ્યા હતા અને મહુવાના વેપારીઓએ શનિવારના રોજ પોતાની દુકાનો સ્વયંભુ બંધ રાખી નારણભાઈને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

નારણભાઈ ભકતની ઘણી યાદો મહુવા જી.એચ.ભક્ત હાઈસ્કૂલ ઉપરાંત છાત્રાલય,મહુવા ગ્રામપંચાયત અને માલિબા કોલેજ સાથે જોડાયી હોવાથી તેમની અંતિમયાત્રા ઢોલ નગારા અને પુષ્પ વર્ષા સાથે તેમના નિવાસ સ્થાનેથી પ્રથમ મહુવા જી.એચ.ભક્ત શાળા, છાત્રાલય, મહુવા ગ્રામપંચાયત અને ત્યારબાદ માલિબા કોલેજમાં થઈ મહુવા પંથકમાં ફેરવી મહુવા સ્મશાને લઈ જઈ તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી.

સૌમ્ય, સાદગી અને નિસ્વાર્થ વ્યક્તિત્વના ધણી નારણભાઈ ભક્તના નિધનથી મહુવા ગામ સહિત સમગ્ર તાલુકો શોકાતુર બન્યો છે. એમના દ્વારા કરવામાં સામાન્ય લોકો માટે કરવામાં આવેલો સેવાયજ્ઞ હરહંમેશ યાદગાર રહેશે. કરોડો રૂપિયાનું દાન કરનાર અને સાદગી ભર્યુ જીવન જીવી યુવાનોને પ્રેરણા આપનાર નારણભાઈ ભક્ત મહુવા તેમજ આજુબાજુના ગ્રામજનોના હૃદયમાં હરહંમેશા રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *