Gujarat

ભક્ત વત્સલ બજરંગદાસ બાપાએ હનુમાનજીને પ્રસન્ન કરેલા તે વિશે ની એક સત્ય ઘટના. સંત શિરોમણી બજરંગદાસ બાપાને કોટીકોટી વંદન

Spread the love

સંત શિરોમણી બજરંગદાસ બાપાને કોટીકોટી વંદન ભક્ત વત્સલ બજરંગદાસ બાપાએ હનુમાનજીને પ્રસન્ન કરેલા તે વિશે ની એક સત્ય ઘટના.બાપા સીતારામ સરસોઈ ગામના શ્રી રણછોડભાઇ જણાવે છે કે, આ ઘટના જાણમાં પછી આવી, પણ છે જૂની. બાપા જયારે સુરત -વલસાડમાં આસપાસ રહેતા હતા ત્યારની વાત છે. જે વિષે સવજીભાઈ લખે છે કે;

અંકલેશ્વર પાસેના સરસોઈ ગામના શ્રી રણછોડભાઈ જૂની મઢીએ બાપાશ્રી પાસે ત્રણ- ચાર દિવસ રોકાઈને ભાવનગર આવેલા. બાપા એ કહેવડાવેલકે ત્રણ-ચાર દિવસ રોકી એમને ભાવનગર બતાવજો.રાતે નિરાંતે બેઠા હતા ત્યારે મેં પૂછ્યું; તમે બાપાશ્રીના પરિચયમાં કેવી રીતે આવેલા ? રણછોડભાઇ કહે કે પચીસેક વર્ષ પહેલાં બાપાશ્રી ફરતા ફરતા અમારે ગામમાં આવેલા અમારા ગામનું મોટું માથું મનાતા મોતીલાલ અંબાલાલ પટેલ મળતાં વેજલપુર હનુમાનજી વિષે પૃચ્છા કરી. મોતીભાઈએ કહ્યું,

આપને ત્યાં જવું હોય તો હું સાથે માણસ સાથે મોકલું.એ જ વખતે હું ત્યાંથી નીકળ્યો એટલે મોતીલાલ પાટીદારે મને બાપાશ્રીને વેજલપુર હનુમાનજીના મંદિરે લઈ જવાનું કહ્યું. હું એમને બે ખેતરવા દૂર આવેલા મંદિરે લઈ ગયો. બાપા શ્રી દંડવત્ પ્રણામ કરી હાથ જોડી ઊભા રહ્યા. બપોરનો સમય હતો, મેં ભોજન માટે પૂછ્યું તો મંદિર લઈ આવવાનું કહ્યું. હું ગામમાં આવ્યો પાટીદાર મળતા મેં કહ્યું: મહારાજ માટે જમવાનું લેવા આવ્યો છું.

પાટીદાર એ મને કહ્યું કે શાંતિ વચ્ચે એમને પૂછી લેજો કે અહીં કેટલું રોકાવું છે ? મેં ઘરેથી ભોજન લાવી બાપાને જમાડ્યા અને ધીરેથી પૂછી લીધું કે કેટલું રોકાવું છે ? બાપા હસીને કહે કે આ હનુમાનજીએ મને બોલાવ્યો છે. મારે અહી અનુષ્ઠાન કરવું છે.તું એમાં સેવા કરીશ ? મે પૂછ્યું સેવામાં શું કરવાનું હોય ? બાપાએ મને કહ્યું તું તારા મિત્રોને લઈને સાંજે અહીં આવજે હું બધું સમજાવીશ.

ડૉ.રમણભાઈ અને બીજા ૫-૭ મિત્રો લઇ સાંજે મંદિરે ગયો. સીતારામ કરી સૌ બેઠા. મેં બધાની ઓળખાણ આપી, પછી બાપાએ પૂજાનો સામાન તલનું તેલ અગરબત્તી અબીલ – ગુલાલ, કંકુ,રૂ જવતલ તથા સારામાં સારી જાતનું પાંચ પ્રકારનું અંતર લાવવા જણાવ્યું.જમવા માટેનું પૂછતાં બાપાએ કહ્યું કે ગાયનું દૂધ સાંજે સાડા પાંચ પછી લાવવું.સવાર-સાંજ ચા. અનુષ્ઠાન શનિવારે વહેલી સવારથી શરૂ કરવાનું હોય આ બધી વસ્તુઓ શુક્રવારે સાંજે અહીં પહોંચાડી દેવી.ગામમાં આવી પાટીદારને વાત કરી તો તેણે કહ્યું : સેવા સારી રીતે કરજો, હું પણ તમારી સાથે છું,

આવા સાધુ પધારે તે આપણા સદભાગ્ય મનાય. હું જમવાનું લઈને મંદિરે પહોંચ્યો ત્યારે બાપા શ્રી હનુમાનજી સામે આસન જમાવીને બેઠા હતા. હું દૂર ઊભો રહી ગયો.થોડીવારે બાપાશ્રી દંડવત કરી ઉભા થઇ, ઊંધે માથે કૂદકો મારી ઊભા થયા. મેં પાસે જઈ સીતારામ કર્યા. બાપાએ પૂછ્યું ક્યારે આવ્યો ? ‘થોડી વાર પહેલા’. આ સાંભળી બાપા ઘડીભર મૌન થઈ ગયા. મને લાગ્યું કે હું બાપાશ્રી આસન પર બેઠેલા જોઈ ગયો છું, એવું બાપા વિચારી રહ્યા હશે ! ચા ભોજન લઇ મને રજા આપી. સીતારામ કરીને ચાલ્યો, પણ મન બાપા પાસે રહેવા લલચાયું હતુ.બાપાનું દઢ્ આસન દંડવત અને કૂદકો મગજમાં બેસી ગયા હતાં. થોડે આઘે ચાલી એક ઝાડની ઓથે ઊભો રહી ગયો. રાત પડી ગઈ હતી મોડું પણ થયું હતું બાપાશ્રી બહાર આવ્યા.

હનુમાનજીના મંદિરની આસપાસ આંબલીના બહુ ઝાડ હતા.બાપા એક આંબલી પર ચડ્યા. બે પગ એક ડાળી ઉપર રાખ્યા માથું ઊભી ડાળીએ ઓડ રાખીને બંને હાથ લટકતા મૂકી દીધા. ચાંદની રાત હતી મેં નજીક જઈ બાપાશ્રીને આ રીતે આરામ કરતા જોયા અને ઘેર ગયો. સુતો પણ ઊંઘ ન આવી – બાપા ના વિચાર જ આવતા રહ્યા વહેલી સવારે દૂધ લઈ બાપા પાસે ગયો. બાપા નાઈ – ધોઈ પરવાર્યા હતા હતા. મેં ચા બનાવી હનુમાનજી સામે બેઠા અને મને કહ્યું તુ જા, બપોરે જમવાનું લઈને આવજે. બપોરે જમ્યા પછી કહ્યું કે, પૂજા માટેની બધી સામગ્રી સાંજે આવી જાય એમ કરજે. એ બધું સાંજે મંદિર આવી ગયું. બાપા એ માટીનો નાનો યજ્ઞકુંડ બનાવ્યો, કંકુ – અબીલ– ગુલાલથી સુશોભિત કર્યો.

આ પછી બાપાશ્રીએ હનુમાનજી મહારાજનું એક ભજન ગાયું. સૂચના આપી કે હવે અનુષ્ઠાન પૂરું ન થાય ત્યાં સુધી ભોજન લાવવાનું નથી, દૂધ જ લાવવું, સવારે નવ વાગ્યા પછી જ અહીં આવવું. સાંજે હું ચાનું દૂધ લઈને મંદિર આવ્યો. બાપા એ જવાનું કહ્યું.સીતારામ કઈ ઊઠ્યો તો ખરો પણ મનના કહે. કાલાવાળા દર્શન કરવાની લાલસાએ ગઈ રાતની જેમ આઘે જઈ ઝાડની ઓથે ઊભો રહ્યો. બાપાએ આસન જમાવ્યું.પછી દંડવત પછી કૂદકો, હનુમાનજી મંદિરની પ્રદક્ષિણા કરી, આંબલી પર ચડી કાલની જેમ લંબાવ્યું, હું ઘરે આવ્યો, સૂતો પણ ઊંઘ ના આવી કારણ રાતની જેમ બાપાના પ્રસંગોમાં મનમાં ઘોળાતા રહ્યા. શનિવાર હતો, નવ વાગે દૂધ લઇ મંદિરે ગયો તો બારણાં બંધ હતાં, હું બહાર બેઠો.

એકાએક કાન ફાડી નાખે એવો બુલંદ અવાજ સંભળાયો હે રામ ! હેરામ ! મને થયું બાપા કોઇ અલૌકિક સંત છે. દરવાજો ઉઘડ્યો,બાપા બહાર આવ્યા. મેં સીતારામ કર્યા, મેં ચા બનાવી બાપાએ પીધી. યજ્ઞકુંડના અને હનુમાનજી મહારાજના દર્શન કર્યા મન પ્રસન્ન થયું. બાપાએ કહ્યું બે નાનાં એક મોટું એમ ત્રણ કોડિયા લેતો આવજે, ઘી તેલ પણ લાવજે. હું એ લઈને સાંજના પાંચ વાગ્યે પહોંચ્યો મંદિર બંધ હતું. થોડીવારે ઉઘાડ્યું. મેં લાવેલા એક કોડિયામાં ઘી નાખ્યું, બેમાં તેલ નાખ્યું, બેમા અત્તરની એક એક શીશી ઠાલવી,ત્રીજામાં બે ઠાલવી.ચારે દિશામાં દીપ પ્રગટાવી બાપા બહાર આવ્યા. મને રજા આપી પછી પોતે આંબલી પર આરામ કરવા ચડ્યા,

ચોથે દિવસે હું મંદિરે ગયો તે પછી મારા મિત્રો ડૉ રમણભાઇ વગેરે પણ આવ્યા. બાપાશ્રી પૂજામાં હતાં થોડીવારે. હે… રામ ! હે… રામ ! નો બુલંદ નાદ ગાજ્યો. ડૉક્ટર વિચારમાં પડી ગયા ! આવો મોટો શિખર ફાડી નાખે એવો મોટો અવાજ ! મને પૂછ્યું આવો અવાજ અગાઉ તમે સાંભળેલો ? મેં કહ્યું બધા રાત્રે આવો વધુ જોવા મળશે. ત્યાં બાપાશ્રી બહાર આવ્યા. સૌએ સીતારામ કર્યા ચા પીધી. મંદિરમાંથી ફૂટ તથા મીઠાઈનો પ્રસાદ આપ્યો. હવનકુંડ અને હનુમાનજીના દર્શન કરી સૌ બેઠાં. બાપાએ કહ્યું : છેલ્લે દિવસે સાધુ, બ્રાહ્મણ,ભક્તો અને બાળકો સાથે ભોજન રાખી અનુષ્ઠાનનું સમાપન કરીશું. એનો ખર્ચ તમે ઉપાડશોને ? સૌએ હા કહી.બાપા કહે તમે અને પાટીદાર એ સિવાય કોઈને એમાં ભેળવશો નહીં.

સાંજે સૌ ફરીને આવ્યા. બેઠા, બે વાતો કરી રજા આપી, સીતારામ કરી રવાના થયા. દૂર ઊભા રહી જોવા લાગ્યા. બાપાએ દંડવત કરી કૂદકો મારી ઊભા થયા તે જોયું. રાતના આવી આંબલી પર ચડી લંબાવ્યું, તે દર્શન કર્યા. સૌ નજીક આવ્યા, રાત અજવાળી હતી. આખી મંડળી ખુબ પ્રભાવિત થઈ. એવામાં એક ભાઈને ઉધરસનું ઠસકું આવતા બાપા આંબલી પરથી નીચે ઉતર્યા અને પૂછ્યું : તમે બધા હજુ ઘરે ગયા નથી ? ના બાપા. બાપા કહે : કેમ પાછા આવ્યા ? હું કાંઈ બોલી શક્યો નહિં. ડૉક્ટર રમણભાઈ કહ્યું કે,આપના દર્શન કરવા. બાપા કહે તમે બધા દર્શન કરીને તો ગયા હતા ! રમણભાઈ કહે : અમે આંબલી પર નાં દર્શન કરવા આવ્યા છીએ.

ત્યારે બાપાશ્રીએ કહ્યું કે સંત ની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. બાપા એ જવા માટે કહ્યું ત્યારે રમણભાઈ બોલ્યા અનુષ્ટાન પૂરું થાય ત્યાં સુધી રાત્રિરોકાણ ની ઇચ્છા છે. બાપાએ રાજીખુશીથી રજા આપી. મંદિરેથી નીકળીને અમે ઘેર જતા પહેલાં પાટીદારભાઈને મળ્યા અને બધા દર્શનની વાત કરી. એમણે પણ રાત્રે સાથે આવવાની તૈયારી બતાવી.રાત્રી સૌ મંદિરે ગયા. બાપાશ્રીને આંબલી પર ચડી બંને પગ ને ડોક ડાળ પર બંને હાથ છૂટા રાખી સૂતા જોઈ પાટીદારભાઇ ખૂબ પ્રભાવિત થયા. આરામ કરી નીચે ઉતરી પૂજ્ય બાપાશ્રીએ પૂછ્યું કે કેટલા વાગ્યા છે.રમણભાઈએ પોતાની ઘડિયાળ માં જોઇ કહ્યું ત્રણ વાગ્યા છે. તેવામાં આજુબાજુના ઝાડવાંઓમાંથી હનુમાનજી મહારાજની કીકીયારી સંભળાવા માંડી. સૌ ગભરાવા લાગ્યા. બાપા એ આશ્વાસન આપ્યુ ગભરાશો નહિ. થોડીવારમાં કીકીયારીઓ શમી ગઈ. હું ઊભો થઈ દૂધ લેવા ગયો.લાવીને ચા બનાવી પીધી અને બાપા સૌને ઘેર જવાનું કહી, પોતે રોજની વિધિ કરવા મંદિરમાં પ્રવેશ્યા.સાડા નવે હે રામના પોકાર પછી બહાર પધાર્યા ત્યારે અમે સૌ હાજર હતા. બાપાએ પૂર્ણાહુતિના ભોજનની સામગ્રી લાવવા કહ્યું. તે પ્રમાણે સામગ્રી આવી. સાધુ, બ્રાહ્મણ, ગામના બાળકો અને અમે મિત્રો લાડુ, દાળ-ભાત શાક જમ્યા.યજ્ઞ પૂરો થયો પછી બીજે દિવસે અમે મિત્રો બાપા સાથે જમ્યા. બાપાએ મંદિરમાં જઈ લગોંટ પહેર્યો હાથમાં પંજાવાળી તલવાર પહેરી બહાર આવ્યા. બાપાના અલૌકિક દર્શન અમે કર્યા. ખૂબ વાતો કરી, રાત નો એક વાગ્યો બાપા એ સૌને ઘેર જવા કહ્યું, છુટા પડતી વખતે સવારે મંદિરે જવાનું અમે નક્કી કર્યું.

સવારે નવ વાગ્યે મંદિરે ગયા બાપાશ્રી ન હતા. આસપાસના ગામોમાં દિવસો સુધી તપાસ કરાવી કશી માહિતી મળી નહિ. ત્રીસેક વર્ષે મારે સૂરત આવવાનું થયું ત્યારે સ્ટેશન નજીક એક માળી દુકાને એક મસ્ત સાધુ બજરંગદાસજીની વાત સાંભળી.મેં એમના દેખાવ ચાલવાની છટા ઊંચાઈ વગેરેની વાત કરી. અને કહ્યું કે એમણે અમારા સરસોઇ ગામે વેજલપૂર હનુમાને અનુષ્ઠાન કરેલ. આ વાત થતી હતી ત્યારે એક હોડીવાળો ત્યાં ઊભો હતો તેણે કહ્યું

બજરંગદાસબાપા અશ્વિનીકુમાર ઘાટ પાસે થી બે-ત્રણ દિવસે મારી હોડીમાં બેસી તાપીમાં દોઢ-દોઢ કલાક ફરે છે. આ હોડીવાળાએ મારી અને દુકાનવાળા માળી વચ્ચે ની વાત સાંભળેલી તેથી તેણે એ પછી બાપા હોડીમાં ફરવા બેઠા ત્યારે પૂછ્યું : આપ સુરતમાં જ રહો છો ? બાપાએ હસીને કહ્યું કોઈ દિવસ નહિ ને આજે કેમ આવું પૂછે છે ? હોડીવાળાએ મારી અને માળી વચ્ચે થયેલી વાત થઈ કહી.આ પછી બાપા સુરત છોડી ગયેલા. પછી ઘણા વખતે મને ખબર મળી કે બજરંગદાસ બાપા જેમણે વેજલપુરમ હનુમાન મંદિરે અનુષ્ઠાન કરેલ તેઓ બગદાણા રહે છે એટલે મેં બગદાણા જઈ એમના દર્શન કર્યા. ચાર-પાંચ દિવસ ત્યાં રહ્યો અને અહીં તમારી પાસે રોકાયો છું. આમ છતાં એક વાત તો ખરી જ ; કે બાપાશ્રીએ હનુમાનજી મહારાજની ઉપવાસના તો કરેલી જ. રણજીત હનુમાનજ (હણોલ) રહેલા. બગદાણામા પણ હનુમાનજીને ઓટલેજ બેસતા.

કલોલવાળા કચુભાઇ ભગત લખે છે કે ; હું અને મારા પત્ની ચાર દિવસ બગદાણામાં બાપાશ્રી પાસે રહેલાં. રાત્રે બાપા સાથે વાતો થતી, તેમાં એમના અગાઉના જીવનની વાતો પણ થયેલી. આ વાતોમાં કચુભાઈ ભગતે એક વાત આ પ્રમાણે લખી છે : કે ગુરુ મહારાજે એમને હનુમાન સિદ્ધિ કરાવેલી. બગદાણા ગામમાં હનુમાનજીની એક દેરી છે, તે હનુમાનજી મહારાજને એમણે પ્રસન્ન કરેલા. પછી એમની ખ્યાતિ છે અને પ્રભાવ વધેલા,લોકો તેઓશ્રી લોકો તેઓ શ્રી પાસે આવવા લાગેલા.પછી બાપાશ્રીએ બગડ નદી આગળ ગામ બહાર આશ્રમ બનાવેલ. આજે ભલે સંત બજરંગદાસ બાપા સદેહે હાજર ન હોય પણ અનંતમાંથી ભક્તજનોની ઇચ્છા પુરી કરે છે પ્રેરણા આપે છે, અને ભક્તજનોના દુખ:ડા દુર કરે છે એ સત્ય હકીકત છે. જય બાપા સીતારામ.સુરેશભાઇ નિમાવત (ગાંધીનગર) નાં સૌને બાપા સિતારામ.પરમ પૂજ્ય બજરંગદાસ બાપા જીવન જ્યોત પહેલી આવૃત્તિ તા-૨૬-૦૧-૧૯૮૯ માંથી.બાપા સીતારામ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *