સવજી ધોળકીયા એ 185 કરોડ નો બંગલો ખરીદ્યો, જાણો કેવી સુવિધા હશે
સૌરાષ્ટ્રના એક ગામના સામાન્ય ખેડૂતમાંથી શહેરના હીરા-ઉદ્યોગપતિ બનેલા ઘનશ્યામ ધોળકિયાએ મુંબઈના વરલી વિસ્તારમાં 185 કરોડનો બંગલો ખરીદ્યો છે. હરિકૃષ્ણ ગ્રુપના સવજી ધોળકિયાના નાના ભાઈ ઘનશ્યામભાઈ સૌરાષ્ટ્રનાં સમાજમાં આટલો વૈભવી બંગલો ખરીદનારા કદાચ પ્રથમ વ્યક્તિ હશે. આ અંગે પ્રતિક્રિયા આપતા ઘનશ્યામભાઈએ જણાવ્યું હતું કે, ભગવાનની કૃપા અને વડીલોના આશીર્વાદથી આ શક્ય બન્યું છે.
છેલ્લા ઘણાં સમયથી મુંબઈના વરલી વિસ્તારમાં અમે મકાન શોધતા હતા. અમને આ મકાન પસંદ આવી જતા 185 કરોડમાં ડીલ કરી છે. માયા નગરી મુંબઈમાં જમીન સાથેનું મકાન હોવું એ જ એક મોટી વાત છે. ખાસ કરીને વરલીના આ વિસ્તારમાં એક સ્ક્વેરફૂટનો ભાવ 93000 રૂપિયા છે. આ બંગલો એસ્સાર ગ્રુપની કંપની આર્કાઈ હોલ્ડિંગ્સ લિ. પાસેથી ગત 30 જુલાઈએ ખરીદાયો છે.
જીવનમાં તમે સકારાત્મક વિચારો રાખો એટલે સુખ જ મળે છે. આજે આ સુખ પ્રાપ્ત થવાનું કારણ, ગામડાંમાં સરોવર બનાવ્યાં, પ્રકૃતિને પ્રેમ કર્યો, કર્મચારીઓ માટે સારાં મકાનોની વ્યવસ્થા કરી તે બધાના આશીર્વાદથી આ કક્ષાએ પહોંચ્યા છીએ. ઘણા ઉદ્યોગપતિઓ માટે 185 કરોડનો બંગલો ખરીદવો કદાચ સામાન્ય બાબત છે, પરંતુ નાનકડા ગામડાના ખેડૂતપુત્ર માટે આ અસામાન્ય બાબત કહી શકાય. – સવજીભાઈ ધોળકિયા, સ્થાપક હરિકૃષ્ણ ડાયમંડ વરલી સી-ફેસ ખાતે 19886 ચોરસ ફૂટમાં બનેલા આ લક્ઝુરિયસ ‘પનહાર’ બંગલોમાં ગાર્ડન સહિતની તમામ સુવિધાઓ છે, જેમાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડફ્લોર ઉપરાંત 7 માળ છે. ઘનશ્યામભાઈના કુટુંબના 36 સભ્યો માટે 36 ભવ્ય બેડરૂમ છે.
ઘનશ્યામભાઈએ જણાવ્યું હતું કે આજથી 32 વર્ષ પહેલાં હું મુંબઈ રહેવા આવ્યો ત્યારે 8 વર્ષ સુધી ભાડાંના મકાનમાં રહેતો હતો.
1994ની સાલમાં એક BHKના ફ્લેટથી શરૂઆત કરી ત્યાર પછી 2 અને 3 BHKના ફ્લેટમાં ભાડાંથી 8 વર્ષ સુધી રહ્યા હતા. ત્યારબાદ 2001ની સાલમાં પોતાની માલિકીનો ફ્લેટ ખરીદ્યો હતો. અત્યારે ભગવાનની કૃપાથી વરલી જેવા વિસ્તારમાં બંગલો ખરીદવાનું સપનું સાકાર થયું છે. ઉલ્લેખનીય છે કે, ઘનશ્યામભાઈ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દૂધાળા ગામના વતની છે.