Gujarat

ગુજરાતના નાના એવા ગામડાના યુવાન નુ 2024 ભારત ને ગોલ્ડ મેડલ અપાવવાનું સપનું, આપણે જુસ્સો વધાર…

Spread the love

ઘનશ્યામ રમેશભાઈ સુદાણી. અમરેલી જિલ્લાના ગીર પીપળવા નામના ખોબા જેવડા ગામના સામાન્ય ખેતમજૂરનો આ દીકરો બે- બે વિશ્વવિક્રમ સર્જીને 2024માં પેરિસ ખાતે રમાનારી વિશ્વ ઓલિમ્પિકમાં ભારતને મેડલ અપાવવા માટે સંકલ્પબદ્ધ થયો છે.

ઘનશ્યામના પરિવારની આર્થિક પરિસ્થિતિ બહુ જ સામાન્ય. પિતા કામ ન કરી શક્યા એટલે માતાએ જ બે ભાઈઓ અને બે બહેનોને ઉછેરીને મોટા કર્યા. આગળના અભ્યાસ માટે અમદાવાદ આવેલા ઘનશ્યામે પરિવારની જવાબદારી માતા પાસેથી પોતે જ સંભાળી લીધી. આ છોકરો બપોરે 1 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી હોટેલમાં નોકરી કરે અને સવારે ભણવા જાય. વહેલી સવારે, મોડી રાતે અને રજાના દિવસોમાં ઇલેક્ટ્રિક સાધનોનું રીપેરીંગ કામ કરે અને પરિવારને મદદ કરે.

ઘનશ્યામને બાળપણથી જ દોડવામાં ખૂબ રસ પડતો પણ પારિવારિક જવાબદારી અને પ્રોત્સાહનના અભાવે એમની દોડવીર બનવાની ઈચ્છા મનમાં જ રહી ગઈ. પછી હોટલની નોકરી મૂકી ફૂલ ટાઈમ RO તેમજ ઇલેક્ટ્રિકલ સાધનો રિપેર કરવાનું કામ કરીને એકભાઈ તથા એક બહેનને પરણાવવાની અને બીજી બહેનની સગાઈ કરાવવાની જવાબદારી પૂરી કરી. પારિવારિક જવાબદારીઓનો ભાર માથા પરથી ઉતરતા જ અંતરમાં ધરબાઈને પડેલી દોડવીર બનવાની ઈચ્છા પાછી જાગૃત થઈ. બાળપણથી અત્યાર સુધી એ શોખ માટે દોડતો હતો પણ હવે શોખને જ કારકિર્દી બનાવવાનું એણે નક્કી કર્યું.

દોડ જેવી રમત માટે પોષણક્ષમ આહાર દ્વારા તમારું શરીર કસાયેલું અને ઘડાયેલું હોવું જોઈએ જ્યારે ઘનશ્યામ તો અભાવ વચ્ચે ઉછર્યો હતો આમ છતાં ઘનશ્યામનો સંકલ્પ અને મનોબળ બહુ મજબૂત હતા. દોડની રમતમાં દુનિયામાં ડંકા મારવાના નીર્ધાર સાથે પોતાની જાતને તૈયાર કરવા ઘનશ્યામે સખત પ્રેકટીસ ચાલુ કરી દીધી.

ઘનશ્યામએ આદરેલા આ તપના પરીણામે એણે 2021માં માત્ર 5 મહિનામાં બે વિશ્વવિક્રમો નોંધાવ્યા. 72માં પ્રજાસત્તાક પર્વએ સતત 72 કલાકની દોડ લગાવીને બધાને આશ્વર્યમાં ગરકાવ કરી દીધા. 3 દિવસ અને 3 રાત સતત દોડવાનું અશક્ય કામ એણે સફળતાપૂર્વક પાર પાડ્યું અને અગાઉનો સતત 50 કલાક દોડવાનો રેકર્ડ એણે બ્રેક કર્યો. બીજા વિશ્વવિક્રમમાં શ્રીસોમનાથ થી શ્રીઅયોધ્યા સુધીનું 1800કિમી કરતા પણ વધુ અંતર એણે દોડીને કાપ્યું અને તે પણ માત્ર 22 દિવસમાં. સતત 22 દિવસ સુધી રોજના સરેરાશ 83 કિમી જેટલું અંતર દોડીને કાપવાનો એણે વિશ્વવિક્રમ રચ્યો.

2024ની વિશ્વ ઓલિમ્પિકમાં 50કિમીની વોકરનમાં ભારતને ગોલ્ડમેડલ અપાવવાનું ઘનશ્યામનું લક્ષ્ય છે. અત્યાર સુધી ભારતને આ કેટેગરીમાં કોઈ મેડલ મળ્યો નથી. વોકરન બહુ અઘરી રમત છે કારણકે તેમાં દોડતી વખતે તમારો એક પગ જમીનને અડેલો જ રહેવો જોઈએ. જો બંને પગ ઊંચા થાય તો ખેલાડી આઉટ થઈ જાય. આ રમતમાં ક્વોલિફાઈ થવા માટે 50કિમીની વોકરન 4 કલાકમાં પૂરી થવી જોઈએ. ઘનશ્યામ આટલા સમયમાં દોડ પૂરી કરી લે છે એટલે એ ક્વોલિફાઈ તો થઈ જ જશે પણ ગોલ્ડમેડલ મેળવવા ખાસ તાલીમ બહુ જરૂરી છે.

આ તાલીમ માટે ઘનશ્યામે કેન્યા જવાનું નક્કી કર્યું છે. કેન્યામાં 2 વર્ષ વોકરન માટેની ખાસ તાલીમ લઈને આપણો આ ગુજરાતી છોકરો 2024ની વિશ્વ ઓલમ્પિકમાં ભારતનું પ્રતિનિધીત્વ કરશે. આ તાલીમનો પ્રથમ વર્ષનો ખર્ચ 10.50 લાખ થશે જેને પહોંચી વળવા દાતાઓ પાસેથી 7 લાખની સહયોગરાશી તો મળી પણ ગઈ છે. બાકીની રકમની વ્યવસ્થા થતા ઘનશ્યામ તાલીમ મેળવવા કેન્યા રવાના થશે.

ગુજરાતનું આ ગૌરવ પ્રોત્સાહનના અભાવે મુરઝાઈ ન જાય એ જોવાની જવાબદારી આપણા સૌ ગુજરાતીઓની છે. આપ એમને આશીર્વાદ આપી શકો એ હેતુથી એમની સંમતિ સાથે એમનો સંપર્ક નંબર પણ આ સાથે આપેલો છે. ઘનશ્યામ સુદાણી – +917878345124

~ શૈલેષ સગપરિયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *