India

જાણો એક એવા મંદિરનો ઈતિહાસ જ્યાં મસ્તક વિનાના માતાજીનું શરીર બિરાજમાન છે….

Spread the love

ભારત દેશમાં અનેક દેવી-દેવતાનાં મંદિર છે. આજે આપણે એક એવા મંદિરની વાત કરવાની છે જેમાં માતાજી બિરાજમાન છે, પણ આ માતાનું મસ્તક નથી. મતલબ કે અહીં માત્ર માતાજીનું ધડ અને બીજું શરીર બિરાજમાન છે, પણ તેમનું મસ્તક નથી. તેથી જ મંદિરનું નામ છિન્નમસ્તિકા આપવામાં આવ્યું છે.

ઝારખંડના રજરપ્પામાં છિન્નમસ્તિકા નામે એક મંદિર છે, જે શક્તિપીઠ છે. મતલબ કે આ માતાજીનું મંદિર છે, પણ અહી વસેલાં દેવીનું મસ્તક તેમના ધડ પર નથી. આ મંદિરને છિન્નમસ્તક નામે પણ ઓળખવામાં આવે છે. અહીં આવતા ભક્તોમાં છિન્નમસ્તિકા માતા માટે અપાર શ્રદ્ધા છે. લોકોનું માનવું છે કે દેવીમા તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે. તમે કોઇપણ મંશા સાથે માતાજીનાં ચરણોમાં દર્શન કરવા જાવ તો તે મહેચ્છા છિન્નમસ્તિકા દેવી હંમેશાં પૂર્ણ કરે છે.

કહેવાય છે કે શક્તિપીઠમાં કામાખ્યા શક્તિપીઠ સૌથી મોટી ગણવામાં આવે છે જ્યારે અહીં બીજા સ્થાન ઉપર રજરપ્પાનું છિન્નમસ્તિકા મંદિર આવે છે. આ મંદિર ભૈરવી ભેડા અને દામોદર નદીના સંગમસ્થાને આવેલું છે. આ મંદિર આસ્થાની ધરોહર છે. આમ તો અહીં બારેમાસ લોકોની ભીડ જોવા મળે છે. કોઇ કહે છે આ મંદિર મહાભારતના સમયનું છે તો કોઇ કહે છે કે તે ૬૦૦૦ વર્ષ જૂનું છે. ઘણાં લોકો એવું માને છે કે મહાભારતના યુદ્ધ સમયે આ મંદિરનું નિર્માણ થયું હતું તો ઘણાં લોકો કહે છે કે ૬૦૦૦ વર્ષ પહેલાં દેવીમાએ અહીં પ્રગટ થવાનું વિચાર્યું હતું.

આ મંદિર કાલીમાનું મંદિર છે. અહીં રહેલી કાલીમાની ર્મૂિતના એક હાથમાં તલવાર છે તો બીજા હાથમાં તેમનું જ કપાયેલું મસ્તક છે. આ મસ્તકમાં માતાજીની ત્રણ આંખો છે. તેઓ કમળ પર ઊભાં છે અને તેમનો ડાબો પગ આગળની તરફ છે. પગની નીચે કામદેવ અને રતી શયનમુદ્રામાં છે. તેમના ગળામાં મુંડમાળા અને સર્પમાળા શોભી રહી છે. તેમના કપાયેલા ગળામાંથી રક્તની ધારા વહે છે, તેમની આજુબાજુમાં ડાકિની અને શાકિની છે, જેઓ રક્તપાન કરી રહ્યાં છે. માતાના હાથમાં તેમનું જે મસ્તક છે તેના વાળ વીખરાયેલા છે અને માતાનું આ રૂપ નગ્ન અવસ્થામાં હોવા છતાં તેજોમય લાગે છે.

કાલીમાના છિન્નમસ્તિકા રૂપ માટે એમ કહેવાય છે કે એકવાર મા ભવાની તેમની બે સખીઓ સાથે મંદાકિની નદીના કિનારે સ્નાન કરવા માટે આવ્યાં હતાં. સ્નાન કર્યા બાદ મા ભવાનીની બે સખીઓને એટલી બધી ભૂખ લાગી કે ભૂખના કારણે તેમનો રંગ કાળો પડવા લાગ્યો. તેમણે માતા પાસે ભોજન માંગ્યું, માતાએ થોડો સમય રાહ જોવા કહ્યું, પણ બંને સહેલીઓ ભૂખથી વિચલિત થઇ ગઇ. આ જોઇને માતાએ પોતાની તલવારથી જ પોતાનું માથું કાપી નાખ્યું. આ માથું તેમના હાથમાં આવી ગયંુ અને તેમાંથી જે લોહીની ધારા થઇ તે બંને સખીઓને પીવડાવી તેમજ પોતે પણ પીધી. બસ, ત્યારથી તેમના આ સ્વરૂપનું નામ છિન્નમસ્તિકિા પડયું અને તેમની પૂજા થવા લાગી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *