Gujarat

ભીષ્મના શરીર પરનું એક એક બાણ કૌરવોના એક એક દુષ્કૃત્યનું પ્રતીક છે.

Spread the love

આજના દિવસે જ ભીષ્મપિતામહે પ્રાણત્યાગ કર્યા હતા. મહાભારતના યુદ્ધ વખતે અર્જુનના બાણથી ઘવાયેલા ભીષ્મએ તત્કાળ પ્રાણત્યાગ કરવાને બદલે ઉત્તરાયણ સુધી બાણશૈયા પર શરીરને ટકાવી રાખ્યું હતું. આપણને આ વાર્તા જેવું લાગે પણ વેદવ્યાસજી આ પ્રસંગ દ્વારા બહુ મોટો સંદેશો આપે છે.

ભીષ્મના શરીર પરનું એક એક બાણ કૌરવોના એક એક દુષ્કૃત્યનું પ્રતીક છે.કૌરવોએ કરેલી ભૂલોને ભીષ્મએ બાણ રૂપે પોતાના પર લઇ લીધી જેથી કૌરવોને તકલીફ ના પડે. જ્યાં સુધી દાદાએ બાણ ઝીલ્યા ત્યાં સુધી કૌરવો ટકી શક્યા પછી ખતમ થઈ ગયા.

ભીષ્મ તો ઉતારાયણે જતા રહ્યા પણ આપણે આપણા ભીષ્મને ઓળખીને સાચવી લેવા નહીંતર કૌરવોની જેમ આપણું અસ્તિત્વ પણ ખતમ થઈ જશે. આ ઉતરાયણે આપણે આપણા ભીષ્મને શોધવાનો પ્રયાસ કરીએ. થોડીવાર આંખો બંધ કરીને વિચારો તમારી સમસ્યાઓને તમારા સુધી ના પહોંચવા દેનાર એ કોણ છે ? વિચારો કે તમારી ભૂલોને પોતાના માથે ઓઢી લેનાર એ કોણ છે ? વિચારો કે એવુ કોણ છે જેના કારણે તમને સુરક્ષાનો અનુભવ થાય છે ? એવું કોણ છે જેની ગેરહાજરી આખા પરિવારને પારાવાર મુશ્કેલીમાં મૂકી દે ? એવું કોણ છે જેનો સાથ તમને સદાય હળવાફૂલ રાખે છે ?

બસ આ જ તમારા ભીષ્મ છે. આજના મકરસંક્રાંતિના પાવન પર્વએ આ ભીષ્મને ઓળખીને એનું જતન કરીએ, જાળવીએ, સાચવીએ કારણકે એ છે તો આપણે છીએ. આજે દાનનો પણ મહિમા છે. અન્ન, ધન કે વસ્ત્રનું દાન નહીં કરીએ તો ચાલશે પણ જો ક્ષમાદાન કરીશું તો આપણો પરિવાર જળવાઈ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *