Gujarat

SPI ની તૈયારી કરતો એક યુવાને જીવન ટુંકાવ્યું, હાર્ટએટેક થી થયું તેનું મુત્યુ….

Spread the love

રાજકોટ, : રાજકોટમાં મોટા ભાઈ સાથે રહી પીએસઆઈની પરીક્ષાની તૈયારી કરતો ભાવેશ કાનાભાઈ મકવાણા (ઉ.વ.ર૮) આજે સવારે રેસકોર્સના લવ ગાર્ડનમાં રનીંગ કરતો હતો ત્યારે તેને હ્રદયરોગનો હુમલો આવતા મૃત્યુ નિપજતા પરીવારજનો ઉપરાંત તેની સાથે પીએસઆઈની પરીક્ષાની તૈયારી કરતા યુવાનો આઘાતથી સ્તબ્ધ થઈ ગયા હતા.

મુળ દેવભુમિ દ્વારકા જિલ્લાના ભાણવડના ગોપાલપરા વિસ્તારમાં રહેતો ભાવેશ છેલ્લા કેટલાક મહિનાથી પોપટપરા-૧૦ માં રહેતા મોટા ભાઈ જેશાભાઈ સાથે રહી પીએસઆઈની પરીક્ષાની તૈયારી કરતો હતો. આ માટે દરરોજ વહેલી સવારે છ વાગ્યાની આસપાસ તે રેસકોર્સના લવ ગાર્ડન સ્થિત રનીંગ ટ્રેક પર એકાદ કલાક દોડતો હતો. આ નિત્યક્રમ મુજબ આજે પણ સવારે છ એક વાગ્યે લવ ગાર્ડન પહોંચી તેણે દોડ શરૂ કરી હતી.

તેની સાથે દોડતા યુવકોના જણાવ્યા પ્રમાણે ભાવેશે આજે લગભગ પાંચેક મીનીટ દોડ લગાવી હતી. ત્યારબાદ અચાનક નજીકનું ઝાડ પકડી ઉભો રહી ગયો હતો. તત્કાળ નીચે પટકાઈ જતા આસપાસ રનીંગ કરતા લોકો તેની પાસે દોડી ગયા હતા. તેમણે તેના મોઢા ઉપર પાણી છાંટી હ્ય્દયના ધબકારા ચેક કરતા ઓછા જણાયા હતા. પરીણામે ૧૦૮ ને ફોન કર્યો હતો. પરંતુ ભાવેશની તબીયત ગંભીર બનતી જતી હોવાથી ૧૦૮ ની રાહ જોયા વગર કારમાં સિવિલ લઈ ગયા હતા. જયા ફરજ પરના તબીબે તેના ધબકારા ઓકિસમીટરથી ચેક કર્યા બાદ કાર્ડિયોગ્રામ કાઢયા બાદ તેને મૃત જાહેર કર્યો હતો.

રેસકોર્સ રીંગ રોડ અને લવ ગાર્ડનના વોકિંગ ટ્રેક પર હાલ દરરોજ સવારે પીએસઆઈની પરીક્ષાની તૈયારી કરતા ૩૫૦ વધુ યુવાનો દોડવા માટે આવે છે. જેમાંથી ઘણાં ભાવેશને ઓળખતા હોવાથી તેમણે તે બેભાન થઈ ગયા બાદ તેના ભાઈ જેશાભાઈને જાણ કરતા તે પણ સિવિલ દોડી આવ્યા હતા. તબિબે ભાવેશને મૃત જાહેર કરતા જ ભાંગી પડયા હતા. જેશાભાઈ બેડી ચોકડી પાસે ચાનો થડો ધરાવે છે.

હાલમાં પીએસઆઈની પરીક્ષાની તૈયારી કરતા યુવકોએ જણાવ્યું હતું કે ભાવેશ ખુબ જ મહેનતુ હતો. દોડવામાં બહુ જ ધ્યાન આપતો. એટલુ જ નહી દરરોજ ઘણો સમય લાયબ્રેરીમાં વાંચવા જતો. હાલમાં તેની તૈયારી જોતા સહુ કોઈને તે આ વખતે પીએસઆઈની પરીક્ષામાં નિશ્ચીત રીતે પાસ થઈ જશે તેમ જણાતું હતું.

જાણ થતા પ્રનગર પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી. પોલીસે એડી નોંધી હતી. પોલીસે જણાવ્યું કે હાર્ટએટેકથી જ મૃત્યુ થયાનું જણાય છે. પરંતુ તબિબોએ હજુ સુધી મોતનું સત્તાવાર કારણ જણાવ્યું નથી. આ માટે વિશેરા લીધા છે. જેનો રીપોર્ટ આવ્યા બાદ મોતનું સ્પષ્ટ કારણ જણાવશે. ભાવેશના બે વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. બે ભાઈ અને એક બહેનમાં નાનો હતો. અગાઉ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ આપી ચુકયો હતો.

એકાદ વર્ષ પહેલા પણ ભાવેશ દોડતી વખતે પડી ગયો હતો રાજકોટ: આશાસ્પદ પુત્ર ભાવેશના મોતથી ભરવાડ પરીવાર હચમચી ગયો છે. તેના ભાઈ જેશાભાઈએ જણાવ્યું કે ભાવેશ એકાદ વર્ષ પહેલા પણ રેસકોર્સના મેદાનમાં દોડતી વખતે પડી ગયો હતો. પરંતુ તે વખતે તેને કાંઈ થયું ન હતું. પોતાની જાતે જ ઉભો થઈ ગયો હતો. તે એકદમ સ્વસ્થ હતો. પીએસઆઈની પરીક્ષામાં રપ મીનીટમાં પ કિ.મી. દોડવાનું હોય છે. પરંતુ આ દોડ તે ર૩ મીનીટમા જ પુરી કરી લેતો હતો. આમ છતાં આજે કેમ આવું થયું તે જ સમજાતું નથી. એટલુ જરૂર છે કે તે પરીક્ષાને લઈને ખુબ જ ચિંતા કરતો રહેતો હતો.

તે છેલ્લા ત્રણેક વર્ષથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ આપી ચુકયો હતો. આ માટે ગાંધીનગર પણ રોકાઈ આવ્યો હતો.દર વખતે થોડા માર્કસ માટે રહી જતો હતો. હવે તેણે કોઈ પણ ભોગે પીએસઆઈની પરીક્ષા પાસ કરવાનું નક્કી કરી તેની જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી હતી. આ વખતે તેને આ પરીક્ષામાં પાસ થઈ જવાની પુરેપુરી ખાત્રી હતી. પરંતુ આજે તેના તમામ સ્વપનો રોળાઈ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *